ગુજરાતની ૧,૦૩૦ સ્કૂલોના ૧૦ હજાર વિદ્યાર્થીઓની બોર્ડે પરીક્ષા રિસીપ્ટ રોકી
આગામી ૮મી માર્ચથી ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ શરૃ થઈ રહી છે ત્યારે બોર્ડે આ વર્ષે સખ્તાઈ વર્તતા જાહેરાત કરી છે કે જે સ્કૂલોએ ઉત્તરવહી મૂલ્યાંકન માટે શિક્ષકોનું રજિસ્ટ્રેશન નહી કરાવ્યુ હોય તે સ્કૂલોને તેમના વિદ્યાર્થીઓની પરીક્ષાની હોલ ટીકિટો નહી મોકલવામા આવે. આવતીકાલે તમામ જીલ્લા મથકોએ થનારા હોલ ટીકિટ વિતરણમાં બોર્ડ દ્વારા ૧૦૨૩ જેટલી સ્કૂલોના હજારો વિદ્યાર્થીઓની બોર્ડ રીસિપ્ટ જ નહી મોકલે.
આમ એક બાજુ બોર્ડે ઉત્તરવહી મૂલ્યાંકન કરવા ન આવનાર શિક્ષકો સામે કડકાઈ વર્તી છે પરંતુ બીજી પાડાના વાંકે પખાલીને ડામ જેવા હાલ કર્યો છે કારણકે સ્કૂલો જો શિક્ષકોનું રજિસ્ટ્રેશન ન કરાવે તો તેમાં બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનો શું વાંક?
છેલ્લા ઘણા વર્ષોથી ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા દરમિયાન અનેક સ્કૂલોના શિક્ષકો કોઈને કોઈ બહાનું કાઢી અને આડોડાઈ કરી ઉત્તરવહીઓ તપાસવા આવતા જ નથી.
જેથી આ વર્ષે બોર્ડે આવા શિક્ષકો સામે અને સંચાલકો સામે કડક વલણ અપનાવતા કેટલીક જોગવાઈ કરી છે.જે મુજબ આ વર્ષે બોર્ડે ફરજીયાત તમામ સ્કૂલો પાસેથી તેમના શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.
આ ઉપરાંત જે સ્કૂલોના સંચાલકો રજિસ્ટ્રેશન નહી કરાવે તે સ્કૂલોની ગ્રાન્ટ કાપથી માંડી પરિણામ રોકવા સુધીની પણ ચીમકી બોર્ડે આપી છે.
રજિસ્ટ્રેશન કરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો.ધો.૧૦ અને ૧૨ની સ્કૂલોના શિક્ષકોએ ગઈકાલ સુધીમાં બોર્ડમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી દેવાનું હતું
જેના આધારે હવે બોર્ડ શિક્ષકોને ઉત્તરવહી મુલ્યાંકન માટે બોલાવશે.
હવે ૮મી માર્ચથી શરૃ થતી ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાને લઈને હોલ ટીકિટોનું વિતરણ શરૃ કરવામા આવનાર છે ત્યારે બોર્ડે વધુ એક કડક પગલું ભરતા જે સ્કૂલોએ રજિસ્ટ્રેશન નથી કરાવ્યુ તે સ્કૂલોના વિદ્યાર્થીઓની પરીક્ષાની રીસિપ્ટ એટલે કે હોલ ટીકિટ રોકી દેવાઈ છે.
રજિસ્ટ્રેશન ન કરનારી આવી રાજ્યની ૧૦૨૩ જેટલી સ્કૂલો છે કે જેના ધો.૧૦ અને ૧૨ના બોર્ડ મળીને અંદાજે ૮ થી૧૦ હજાર વિદ્યાર્થીઓને હવે સ્કૂલોના વાંકે પરીક્ષાની રીસિપ્ટ નહી મળે.
આ સ્કૂલોમાં અમદાવાદની અનેક નામી સ્કૂલોનો પણ સમાવેશ થાય છે. એક રીતે બોર્ડે પ્રેસર ટેકનિક અપનાવતા આડોડાઈ કરતા શિક્ષકો અને સ્કૂલ સંચાલકો સામે લાલ આંખ કરીને સારુ કામ કર્યુ છે પરંતુ બીજી બાજુ સ્કૂલો અને શિક્ષકોના વાંકે વિદ્યાર્થીઓને ભોગવવુ પડશે.
કારણકે આવતીકાલે ૨૫મીએ તમામ જીલ્લા મથકે બોર્ડ દ્વારા રીસિપ્ટનું વિતરણ કરવામા આવનાર છે ત્યારે જે સ્કૂલોએ તેમના શિક્ષકોનું રજિસ્ટ્રેશન નથી કરાવ્યુ તે સ્કૂલોને તેમના વિદ્યાર્થીઓની હોલ ટીકિટ મળનાર જ નથી અને બોર્ડે સ્પષ્ટ જાહેરાત કરી છે કે રજિસ્ટ્રેશન નહી કરનારી સ્કૂલોની હોલ ટીકિટ જીલ્લા મથકે મોકલવામા જ નહી આવે.આ સ્કૂલોએ તેમના શિક્ષકોનું રજિસ્ટ્રેશન કરાવી તેનો રીપોર્ટ બતાવીને બોર્ડની કચેરીએ મેળવવાની રહેશે.જેથી વિદ્યાર્થીઓને કાંતો મોડી રીસિપ્ટ મળશે કાંતો મળશે જ નહી.
No comments:
Post a Comment