Saturday, 5 March 2016

ऑनलाइन मोबाईल खरीदता पेहला आटलु ध्यान राखो

ઓનલાઇન મોબાઇલ ખરીદતાં પહેલાં...
હજી હમણાં સુધી, આપણે એમેઝોન.ઇન પરથી ફોન નિશ્ચિત દિવસોમાં પરત કરી રીફંડ મેળવી શકતા હતા, પણ હવે કંપનીએ પોતાની રીફંડ પોલિસી બદલી છે, શક્ય છે કે બીજી કંપનીઓ પણ તેને પગલે ચાલે.

અમદાવાદમાં એનઆરજી (વિદેશમાં વસતા ગુજરાતી)ની મજાક ઉડાવતી એક રેડિયો જાહેરાતમાં કહેવામાં આવે છે કે આપણા ગુજ્જુભાઈ અમેરિકામાં પોતાને ઘેર કોઈ મહેમાન આવે ત્યારે સ્ટોરમાંથી ક્રોકરી ખરીદી લાવે અને મહેમાન જાય ત્યારે ક્રોકરી ‘ગમી નથી’ એમ કહી, સ્ટોરમાં પરત કરીને રીફંડ લઈ આવે!

એવું લાગે છે કે આપણી આ ‘સ્માર્ટ’ ટ્રીક (સાચી હોય તો સ્માર્ટ નહીં પણ શરમજનક) અમેરિકન કંપની એમેઝોનને ભારતમાં નડી ગઈ છે (એમાં ફક્ત આપણા ગુજરાતીઓનો વાંક નહીં હોય, બધા ભારતીયોનો હશે).

અત્યાર સુધી વાસ્તવિક દુકાનમાંથી કોઈ ખરીદી કરવાને બદલે ઓનલાઇન સાઇટ્સ પરથી ખરીદી કરવામાં મોટો લાભ એ હતો કે આપણે ખરીદેલી કોઈ વસ્તુ ગમે નહીં તો આપણે અમુક નિશ્ચિત દિવસમાં એ પરત કરી શકીએ. વાસ્તવિક સ્ટોરમાંથી આપણે જોઈ-તપાસીને મોબાઇલ ખરીદીએ અને ઘેર આવ્યા પછી લાગે કે મોબાઇલનો લૂક જોઈએ એવો જામતો નથી, તો દુકાનમાં પરત કરીને પૈસા પાછા મેળવી શકાય નહીં. ઓનલાઇન સ્ટોરમાં એવું થઈ શકે, ઓનલાઇન કંપનીઓ હોંશથી કહે છે તેમ, નો ક્વેશ્ચન્સ આસ્ક્ડ! કોઈ પૂછે નહીં કે ફોન કેમ પરત કરો છો, ફક્ત ઓનલાઇન કંપનીને જાણ કરીએ એટલે કંપનીનો માણસ આવી, આપણી વસ્તુ ફરી પેક કરી પરત લઈ જાય અને આપણને રીફંડ મળી જાય.

એક રીતે, ઓનલાઇન ખરીદીમાં આ સુવિધા બહુ કામની છે કેમ કે ઓનલાઇન ખરીદીમાં વસ્તુ હાથમાં લઈને જોઈ-તપાસી શકાતી નથી.

પરંતુ આ સુવિધાનો કદાચ આપણે સૌએ વધુ પડતો લાભ લીધો લાગે છે કેમ કેમ ગયા મહિને એમેઝોન.ઇન સાઇટ પરની રીટર્ન પોલિસી બદલવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે ૭ ફેબ્રુઆરી, ૨૦૧૬ના દિવસે કે ત્યાર પછી એમેઝોન.ઇન પરથી, એમેઝોન દ્વારા ફૂલફિલ્ડ મોબાઇલ ફોન ખરીદ્યા હોય તો એમાં માત્ર રીપ્લેસમેન્ટ પોલિસી લાગુ થશે. એટલે કે ફોન ડેમેજ્ડ કે ડિફેક્ટિવ હોય તો કંપની તેના બદલે બીજો ફોન આપશે, પણ આપણને એ ફોનની હવે જરૂર નથી કે ગમતો નથી એમ કહીને એ ફોન હવે પરત કરી શકાશે નહીં. ફોન ડેમેજ્ડ કે ડિફેક્ટિવ હોય તો પણ ફક્ત ૧૦ દિવસની અંદર એ બદલાવવો પડશે. આપણે ખરીદેલો ફોન એમેઝોન દ્વારા ફૂલફિલ્ડ ન હોય પણ, કોઈ સેલર પાસેથી મેળવાયો હોય તો શું થશે એની અલગ સ્પષ્ટતા નથી, પણ સાઇટ પર એવી ચોખવટ છે કે સેલર્સની આવી જ પોલિસી છે અને એમેઝોનની શરતો એમના દ્વારા વેચાતી વસ્તુઓ માટે પણ લાગુ પડે છે.

એમઝોન પર સૌથી વધુ વેચાતી ચીજવસ્તુઓમાં મોબાઇલ પણ સામેલ છે અને છતાં તેના માટે એમેઝોને પોતાની રીટર્ન પોલિસી બદલી એ બહુ મહત્વની બાબત છે. એમેઝોનની મુખ્ય હરીફ જેવી ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ પર હજી રાબેતા મુજબ, ખરીદેલા ફોન પરત કરીને રીફંડ મેળવી શકાય છે, એટલે એમેઝોન પર મોબાઇલનું વેચાણ હવે ઘટશે એમાં બેમત નથી.

નોંધવા જેવી વાત એ છે કે એમેઝોનની ગ્લોબલ સાઇટ પર હજી પણ મોબાઇલ ફોન પરત કરીને રીફંડ મેળવી શકાય છે, ફક્ત ભારત માટે જ આ નીતિ બદલવામાં આવી છે!

આ આખી વાતનાં બે પાસાં છે. એક, આપણે સારા હેતુથી આપવામાં આવતી સુવિધાઓનો કદાચ વધુ પડતો ગેરલાભ લઈએ છીએ અને બીજી બાજુ, ઓનલાઇન સાઇટ્સ પરથી ખરીદેલા મોબાઇલ ફોનમાં વોરંટીનો લાભ આપવાની વાત આવે ત્યારે મોબાઇલની મેન્યુફેક્ચરર કંપની સર્વિસ આપવાની ના પાડી દે છે અને ઓનલાઇન સાઇટ્સ હાથ ઊંચા કરી દે છે એ પણ હકીકત છે.

હવે તમે ઓનલાઇન સાઇટ્સ પરથી મોબાઇલ ખરીદવાનું વિચારો તો પહેલાં આ બે મુદ્દા પર ખાસ ધ્યાન આપજો.

SOURCE :: www.cybersafar.com

No comments:

Post a Comment